Wednesday, 25 January 2012

'માળિયાનો 'ભંગાર'

સ્ટોર રૂમમાં
કે માળિયામાં
કે ભંડારિયામાં
સંઘરાયેલાં
જરી-પુરાણા સમાનસમું
ચગદાઇગયેલાં
ડબ્બા -ડુબ્બી,
પેટી-પટારાં
અને ગોબાઈ ગયેલાં
ભાંડાના એક નાનકડાં ગામ સમું
સંઘર્ષોથી ચુંથાયેલાં,
પરિસ્થિતિઓથી છિદ્રાયેલાં,
અનેક ફાટેલાં કપડાની
પોટલીઓ જેવાં
વ્રુધ્ધો તણું હૌં એ
વ્રુધ્ધાશ્રમ!
સુકાઇ ગયેલાં રંગોની
બાટલીઓને
'લાકડું' થૈ ગયેલાં
બ્રશો-પીંછીઓ,
ફાટેલી ધમણનું વાજું-ટુટેલી 'પુડે' તેમજ
વંદાઓની મિજબાની થયેલી
સ્યાહીવાળાં તબલાં
જે બોલે શું ઝાઝું- ?
ભાંગેલી કલમોનાં ઢગલાં
ને ઘરનાં ટુટેલા 'મોભ' નાં
લાકડાં-
કટાઇ ગયેલી ખીલીઓ
ભરેલ ડબ્બો,
ને કચડાઇ ગયેલ
ફ્રેમમાં મઢેલો ઇતિહાસનો કો;ક ટુકડો-
વગેરે વગેરે થી
ભરેલાં માળીયા જેવું
મેંજોયું એ
વ્રુધ્ધાશ્રમ!
એક લંગડું કબુતર
બારીએ આવી
પ્યાલામાં રાખેલે પાણીમાં
અાંચ ડૂબાડે -ન ડૂબાડે
ને વાંરવાંર
એક પગે ડગુમગું થાતું
ગભરાઇને
પાંખ ફફડાવી
ઉડુંઉડું કરે તેવું ડર્યું ડર્યું ને
ભીનું ભીનું
નિ;સહાય
ત્યાં જીવન નીરખ્યું !
જરી -પુરાણી ઘટનાઓને
ચણતાં-

છેદાઈ ગયેલાં ચીંથરાઓ જેવી
વાતો ને વણતાં -
ગોભાઈ ગયેલાં સંબધોને
વાગોળતાં-
ફરી ફરી સાંધતા જતાં
ને વળી વળી ટુટતા જતાં
સાંધા..
.. આવી સ્થિતીમાં
સમયની ક્ષણભંગુરતામાં
'ભંગાર' જેમ ફેંકાઈ ગયેલાં
અનેક વ્રુધ્ધજનો
વીતેલી ક્ષણોને
પાછી આંબવા
નિરર્થક મથતાં
નયનોની ઝાંખપમાં
કો;ક ઝાંખી આશાનાં તાંતણે
ઝુલતા ઝુલતા
ઘંટારવ યમનો
બધિર કાને સાંભળતા,
વણ થંભયાં આ વનમાં
આંધળા આથડતાં
એવાં ઘડપણનાં ઓછાયાં જોયાં
..અને ત્યારે
ચકરાતા વિચારોનાં વમળમાંથી
ઊઠેલાં ખોંખરા પ્રશ્ને
મને તાકીને પૂછ્યું કે
શું મારે માટે પણ
આમ માળીએ પટકાઈ જવાનો
વખત પાકી ગયો છે હવે ?
..તો ચાલ, જીવ,
નવાં વિચારોમા
નવાં સંબધોમાં
નવાં વ્યવહારોમાં
ને નવી સુંગધોમાં
જૂના ચશ્મે
તું કા 'ડાકુ' મારે ?
ચા, અહીંથી ચાલ,
લગાડી દે તું પણ
ત્યાં પ્રવેશ મેળવવા માટેની
'ક્યુ' માં તારો નંબર
જરજર થઈ ગયેલાં
ઇતિહાસને વાગોળતાં-
ડોબરાઇ ગયેલા સંબંધોમાં
જાતને શોધતાં
સ્ટોરરૂમમાં
કે માળિયામાં
કે ભંડારિયામાં
ભરાઈ રહેવાની
તાર તાર થઈ ગયેલી
જીંદગીને વારંવાર
સાંધતા જવાની-
 આ વયમાં
ત્તું પણ પ્રવેશી ચુક્યો છે !
એટલે
ખૂબ સમજણપુર્વક
આ સુંદર 'ફ્લેટ' માં થી
હવે આપણો સ્વભાવ
આપણો આ 'ભંગાર'
માનભેર
આપણે જ હટાવી દઈયે તો ?
આપણે જ
સમયસર
નવાં ' જનરેશન' કાજે
ને 'લેટેસ્ટ' સાધનો માટે
આ 'ઘર' માં
આ પરિવર્તનશીલ સમાજમાં
આ સુખદ સંસારમાં
જગ્યા તો કરવી જ રહીને !!